રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
ગુજરાતના ગામડાઓમાં લોકશાહીનો મહાપર્વ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
આગામી 22 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીનું જાહેરનામું 2 જૂનના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે, અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન નિર્ધારિત કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાશે, અને રાજ્ય ચૂંટણી આયોગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ચૂંટણી ગામડાઓના વિકાસ અને સ્થાનિક સ્વરાજની મજબૂતી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લગભગ બે વર્ષથી બાકી હતી, જેના કારણે ગામોનો વહીવટ તલાટીઓ દ્વારા ચલાવવામાં આવતો હતો. આ ચૂંટણી ગામડાઓના વિકાસને નવી ગતિ આપશે અને સ્થાનિક નેતૃત્વને મજબૂત કરશે. રાજકીય પક્ષો આ ચૂંટણીને મહત્વની ગણી રહ્યા છે અને તેની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ગ્રામજનોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેઓ પોતાના ગામના વિકાસ માટે નવા પ્રતિનિધિઓની પસંદગી કરવા આતુર છે.