ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસના કામોની ધરી ભેટ

 *ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ - રાજ્ય ઉત્સવ ગોધરા-પંચમહાલ*


ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને  રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસના કામોની ધરી ભેટ


 રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાન શ્રીના દિશાનિર્દેશમાં કરાયું છે



* ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે  સ્પષ્ટ જોઇ શકાય છે

* ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે

* વડાપ્રધાનશ્રીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ગુજરાત આજે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે

--------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને રૂ. ૬૪૪.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસના ૨૦૦૧ પહેલા અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી. 


આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતુ કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઇ શકાય છે. રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશમાં કરાયું છે. ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે. 


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રૂ. ૬૪૪.૭૨ કરોડના વિવિધ ૮૫ જેટલા વિકાસ પ્રકલ્પોનું  ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ ગોધરામાં રૂ. ૫.૦૫ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ એક્સ્પો - ૨૦૨૫ અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.


મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પહેલા આખા વર્ષના જિલ્લાના વિકાસ કામોના બજેટ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં લોકોને આપવામાં આવી રહયાં છે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, માર્ગો, વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ કંડારેલી વિકાસની કેડી ઉપર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે.


રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ૧૦૦ બેડની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે.


ભારે ટ્રાફિક અને વધુ અવરજવર વાળા ૧૨ માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવા ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંતરામપુર મોરવા હડફ માર્ગને રૂ.૬૭૬ કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર બનવામાં આવશે. જેથી આ વિસ્તારના ત્રણ લાખ નાગરિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ, માનગઢ હિલ અને એસઓયુ જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. કાલોલ બાયપાસને ચારમાર્ગીય કરવા રૂ.૧૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ થયેલ ૧૭૧ માર્ગોના રિસર્ફેસિંગ માટે રૂ. ૨૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.


પાણી એ વિકાસનો આધાર છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ૯ ગામોના  ૧૩ તળાવોમાં પાનમ ડેમ આધારિત સિંચાઇનું પાણી આપવા રૂ. ૩૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાથી ૧૨૫૦ હેક્ટર જમીન ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


વડાપ્રધાનશ્રીના યોગથી આયુષ્યમાનના અભિગમને સાકાર કરવા રાજ્યમાં ૪.૭૭ કરોડ નાગરિકોની નોંધણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીના નવ સંકલ્પને દોહરાવી આ નવ સંકલ્પો પૈકી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે એક પેડ મા કે નામ અને કેચ ધી રેઇન અભિયાનમાં જોડાઇ જળ સંચય કરવા અને સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે આ તકે આદિવાસીઓ સહિત સૌના વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. 


શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી સમૃદ્ધિ, પ્રગતિ અને જનકલ્યાણનો ત્રિવેણી સંગમ બન્યું છે.


તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના મીઠા ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓના નિર્માણથી ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે.


રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચમહાલ જિલ્લાના વિકાસની જે કેડી કંડારી હતી તેને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે, તેમ જણાવી મંત્રીશ્રીએ આઝાદીના અમૃતકાળના અમૃત પ્રભાતે વિકસિત ગુજરાત થકી  વિકસિત ભારત @૨૦૪૭ ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.


પ્રારંભમાં કલેકટર શ્રી આશિષકુમારે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, પંચમહાલની પાવનધરા પર ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તે પંચમહાલવાસીઓ માટે ગૌરવની બાબત છે. પંચમહાલ જિલ્લા પ્રશાસન જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે. અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાએ આભારવિધિ કરી હતી.


પંચમહાલ જિલ્લા પ્રશાસન તેમજ વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સર્વ શ્રી જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, સી. કે. રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, અગ્રણી શ્રી ભરત ડાંગર અને મયંકભાઇ દેસાઇ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.