ગોધરા નગરપાલિકાની બેદરકારી સામે રહીશો દ્વારા આક્રોશ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત..
*ગોધરા શહેરના પિઠા મોહલ્લામાં ચોમાસે પાણી ભરાવાનો કટોકટીભર્યો માહોલ – નગરપાલિકાની બેદરકારી સામે મોહલ્લાવાસીઓમાં આક્રોશ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી.*
ગોધરા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવેલ પીઠા મહોલ્લા ફોદા કંપાઉન્ડ પાછળનો વિસ્તાર સહિત ચોમાસાની સીઝન ચાલુ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. ખાસ કરીને પિઠા મોહલ્લાના રહીશોને દર વર્ષે વરસાદ પડે ત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આજે સ્થાનિક મહિલાઓએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, રહીશોના જણાવ્યા પ્રમાણે, મોહલ્લો નીચાણ વિસ્તારમાં આવેલ હોવાથી રોડ પરથી આવતા વરસાદી પાણીનું ઢાળ સીધું મોહલ્લા તરફ પડે છે. જેના કારણે થોડોક વરસાદ પડતાં જ પાણી મોહલ્લામાં ઘૂસી જાય છે. પરિસ્થિતિ એટલી વણસે છે કે ૧૦ જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે. પાણીના દબાણથી ઘરના નિકાસ પાઇપોમાંથી પણ પાણી પાછું બેક થઈ અંદર આવવા લાગે છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, મોહલ્લામાં નગરપાલિકાની તરફથી કોઈ ગટરલાઇન કે ચેમ્બર દ્વારા પાણી નિકાલની સુવિધા કરવામાં આવી નથી. પરિણામે ગંદુ અને દૂષિત પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને બાળકો સહિત અનેક લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. પાણીના જમા થવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વધી રહી છે.રહીશો વધુમાં જણાવે છે કે, વોર્ડ નં. ૧૦ના નગરપાલિકા કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. રહેવાસીઓના આરોપ મુજબ, નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે અને હાલની ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન આપતું નથી.મોહલ્લાવાસીઓએ હવે સીધી નગરપાલિકા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે કે, તાત્કાલિક ધોરણે વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભ ગટરલાઇન, ચેમ્બર કે અન્ય કોઈ વિકલ્પ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. રહેવાસીઓની ચેતવણી છે કે જો તાત્કાલિક નિકાલ ન કરવામાં આવે તો ભારે વરસાદી પરિસ્થિતિમાં તેમના ઘરો ડૂબી જવાની ભીતિ છે.