કાલોલના મિરાપુરી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ ગોમાં નદીના ઊંડા પાણીમાં આઠ લોકો ડૂબ્યા..
કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ. ગોમા નદીના ઊંડા પાણીમાં આઠ લોકો ડૂબવા લાગ્યા. સ્થાનિક તરવૈયાઓએ સાત લોકોને બચાવી લીધા, પરંતુ એક યુવકનું મોત નિપજ્યું.
ગામમાં પાંચ દિવસની ગણેશ સ્થાપના બાદ સોમવારે સાંજે સાત વાગ્યે ડીજે સાથે શોભાયાત્રા નીકળી. ગોમા નદીમાં વિસર્જન માટે લોકો ખાડામાં ઉતર્યા. મૂર્તિ વિસર્જન વખતે ઊંડા પાણીમાં થાપ ખાઈ જતાં આઠ લોકો ડૂબવા લાગ્યા.
સ્થળ પર હાજર તરવૈયાઓએ લાકડીઓની મદદથી સાત લોકોને બચાવી લીધા. પરંતુ 35 વર્ષીય કાળુભાઈ વીરસિંગ પટેલિયા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. તેમને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ શ્વાસ રૂંધાઈ જવાથી તેમનું મોત નિપજ્યું.
વેજલપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે