કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ સહાય ન મળતા પંચમહાલના ખેડૂતો આક્રમક મૂડમાં.

 કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ, સહાય ન મળતા પંચમહાલના ખેડૂતો આક્રમક મૂડમાં.


પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ–૨૦૨૫ અંતર્ગત, જાહેર કરાયેલી સહાય હજુ સુધી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર પંચમહાલ જિલ્લાના ખેડૂતોને મળવાપાત્ર કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે.



ભારતીય કિસાન સંઘ પંચમહાલ દ્વારા આ બાબતે, રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી, જણાવાયું છે કે, કૃષિ રાહત પેકેજમાં જિલ્લાના ખેડૂતો સાથે ગંભીર અન્યાય થયો છે. સંગઠનનો આક્ષેપ છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા, કૃષિ રાહત પેકેજની સહાય રકમનું મનસ્વી રીતે વહીવટ કરવામાં આવ્યું છે, અને ઘણા ખેડૂતોને સહાય મળી નથી તો કેટલાક ખેડૂતોને અપૂરતી સહાય ચૂકવવામાં આવી છે.


ખેડૂતોનો દાવો છે કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે, તમામ પાત્ર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૨૨,૫૦૦ની સહાય, સર્વે કર્યા વિના પણ ચૂકવવામાં આવશે. છતાં પંચમહાલ જિલ્લામાં આ જાહેરાત મુજબ સહાય અમલમાં આવી નથી. આ મુદ્દે અગાઉ પણ ત્રણ વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેનાથી ખેડૂતોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.


ભારતીય કિસાન સંઘ પંચમહાલે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરીને જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં નહીં આવે, તો આગામી ૧૨ મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સામે ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. અને ખેડૂતોના હક્ક માટે અંતિમ લડાઈ લડવામાં આવશે. પંચમહાલ જિલ્લાના હજારો ખેડૂતો આ મુદ્દે અસરગ્રસ્ત હોવાથી આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણમાં આ મુદ્દો ગરમાવો લાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.