હાલોલ-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રકમાં ભીષણ આગ! અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ,..
હાલોલ-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રકમાં ભીષણ આગ! અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ, કોઈ જાનહાનિ નહીં."
પંચમહાલ જિલ્લામાં હાલોલ-વડોદરા હાઈવે પર એક ભયાનક આગની ઘટના સર્જાઈ છે. ખંડીવાળા કેનાલ પાસે રવિવારે સાંજે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક જ્વાળાઓમાં લપેટાઈ ગઈ અને ધુમાડાના ગોટા-ગોટા ઉડ્યા.
પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ અને અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. રસ્તા પર પ્લાસ્ટિક ઓગળીને ફેલાતા વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતાં જ હાલોલ અને આસપાસની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
સદભાગ્યે આ ઘટનામાં ટ્રક ચાલક તથા ક્લીનર સહીસલામત બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.