પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ..
પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો વાદળ ઘેરાયો છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા પંથક અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.પરંતુ આ અણધાર્યા વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. હાલ રવિ પાકની મોસમ છે, જેમાં ઘઉં, ચણા, મકાઈ, બાજરી, મગફળી અને અન્ય શાકભાજીના પાક તૈયાર થઈ રહ્યા છે. ખેડૂતોના મતે, આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ, જીવાત અને અન્ય રોગ પડવાની ભીતિ છે.