પંચમહાલ એસઓજી પોલીસે દરોડો પાડીને 'તરતા સોના' તરીકે ઓળખાતી એમ્બરગ્રીસનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો...
પંચમહાલ જિલ્લાની એસઓજી પોલીસે ગોધરા પાસે એક મોટી કાર્યવાહી કરી છે. અહીંથી લગભગ પોણા કરોડ રૂપિયાની કિંમતની શંકાસ્પદ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી)નો જથ્થો જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પંચમહાલમાંથી એક અજીબ અને મોટી ખબર સામે આવી છે. ગોધરા પાસે પંચમહાલ એસઓજી પોલીસે દરોડો પાડીને દરિયાના 'તરતા સોના' તરીકે ઓળખાતી એમ્બરગ્રીસનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો છે. આ જથ્થાની કિંમત 76.80 લાખ રૂપિયા સાથે સુરેશ રાજનસિંહ બારિયાની ધરપકડ કરવામાં આવી છે.
ગોધરા તાલુકાના બામરોલી ચોકડી નજીકથી એક વ્યક્તિ ગેરકાયદે રીતે એમ્બરગ્રીસ લઈને નીકળવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ પછી પોલીસે બાતમી આધારની જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબ એક્ટિવા લઈને પસાર થતાં વ્યક્તિને અટકાવ્યો હતો અને એક્ટિવાની ડેકીની તપાસ કરતાં પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોવાનું જણાયું હતું.
એમ્બરગ્રીસ એટલે સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીમાંથી બનેલો દુર્લભ પદાર્થ, જેનો ઉપયોગ પરફ્યુમ, દવા અને અન્ય ઉચ્ચ કક્ષાના ઉત્પાદનોમાં થાય છે.