પંચમહાલમાં કરોડોનું શૈક્ષણિક સાધન કૌભાંડ, બે કર્મચારી સહિત કંપનીઓના સંકળાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓ માટે ખરીદવાના કરોડો રૂપિયાના શૈક્ષણિક સાધનોની ખરીદી માત્ર કાગળ પર જ બતાવીને રૂપિયા 2.79 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતા તત્કાલિન અધિકારીઓ અને સંકળાયેલી કંપનીઓ સામે FIR નોંધવામાં આવી છે. તપાસનો દોર હવે તેજ થયો છે.
પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગમાં શાળાઓ માટેના શૈક્ષણિક સાધનો, સ્માર્ટ ક્લાસરૂમ સાધનો અને અન્ય સામગ્રીની ખરીદીમાં મોટો ગેરવહીવટ થયો છે. તત્કાલીન કર્મચારી પૂજન જોષી અને નીતિન પટેલે કાગળ પર ખરીદી બતાવી, કરોડો રૂપિયા ગાયબ કરી દીધા છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી થયેલી તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં તત્કાલિન બે કર્મચારીઓ અને કેટલીક સપ્લાયર કંપનીઓના સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની કલમો હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.